અમદાવાદ: વિશ્વમાં ગરમીથી સૌથી વધુ ખતરાના મામલામાં બીજા સ્થાને કેમ આવ્યું?

👁 3

દુનિયામાં ગરમીથી સૌથી વધુ ખતરો ધરાવતાં શહેરોમાં અમદાવાદને બીજું સ્થાન મળ્યું છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના નેતૃત્વમાં થયેલા સંશોધન 'મૂવિંગ બીયોન્ડ ઍક્સપોઝર: અ ગ્લૉબલી કમ્પેરેબલ ફ્રેમવર્ક ફૉર રિસ્ક અસેસમેન્ટ ઇન સિટીઝ'માં આ તારણ રજૂ કરાયું છે.

આ વખતનો ઉનાળો પણ વધી રહેલી ગરમી અને તેની તીવ્રતાની સાક્ષી પૂરે છે. હવામાન વિભાગના છ જૂન સુધીના ડેટા અનુસાર, આ વખતે અમદાવાદમાં ઉનાળાના કુલ 56 દિવસમાંથી 53 દિવસે 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહ્યું હતું. અતિશય ગરમીના દિવસો વધવાની બાબતે આ ગત દાયકાઓની સરખામણીએ રેકૉર્ડ છે.

આ સંશોધન માટે 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં 205 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં રાધિકા ખોસલા, જીસસ લિજાના અને નેથમી કારિયાવાસમે આ સંશોધનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ગરમીનો સૌથી વધુ ખતરો હોય તેવાં 50 શહેરોની યાદી પણ બહાર પાડી હતી. ઈરાકનું અલ-બસરા શહેર આ યાદીમાં પહેલા ક્રમે છે.

આ શહેરોમાં ભારતનાં કુલ 14 શહેરોને સ્થાન મળ્યું છે અને અમદાવાદ બીજા નંબરે છે. ત્યાર બાદ નાગપુર ચોથા ક્રમે, સાતમા ક્રમે મદુરાઈ, 15મા ક્રમે ભોપાલ અને 20મા ક્રમે કાનપુર છે. આ યાદીમાં પુણે, પટણા, બૅંગલુરુ, કોલકાતા, જયપુર, લખનઉ, મંબઈ અને ચેન્નાઈ પણ સામેલ છે.

આ અભ્યાસ ત્રણ મુખ્ય પરિબળોને આધારે કરવામાં આવ્યો છે: હીટ ઍક્સપોઝર, લોકો પર ગરમીનો ખતરો અને ગરમીનો સામનો કરવાની ક્ષમતા. આ ત્રણ પરિબળોને આધારે રિસ્ક સ્કોર નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદનો હીટ રિસ્ક સ્કોર 0.79 છે, જ્યારે પહેલા ક્રમે રહેલા ઈરાકના અલ-બશરા શહેરનો હીટ રિસ્ક સ્કોર 0.83 છે.

હીટ ઍક્સપૉઝર ઇન્ડેક્સમાં અમદાવાદનો સ્કોર 0.89 છે, જે અતિશય ઊંચું પ્રમાણ છે. અમદાવાદમાં જમીનની સપાટીનું તાપમાન પણ અતિશય ઊંચું આવે છે, અને 'અર્બન હીટ આઇલૅન્ડ'ની અસર પણ દેખાય છે. સામાજિક સંવેદનશીલતાના સ્કોરમાં અમદાવાદનો સ્કોર 0.57 છે, જે સરેરાશ સ્થિતિ દર્શાવે છે. ગરમી સામે ટક્કર ઝીલવાની ક્ષમતાના મામલે અમદાવાદ સામે પડકારો છે, ખાસ કરીને અર્બન ગ્રીનરી, ટ્રી કવર અને કૂલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં.

જોકે, અમદાવાદના હીટ ઍક્શન પ્લાનને આ સંશોધનમાં દાખલારૂપ ગણાવાયો છે. 2013માં લાગુ કરાયેલા આ પ્લાનને કારણે 2014 અને 2015 દરમિયાન હીટ વેવના દિવસોમાં ચાર હજાર જેટલા લોકોના જીવ બચાવી શકાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે દર વર્ષે હીટ ઍક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવે છે, જેમાં રેડ ઍલર્ટ દરમિયાન બપોરે 1થી 4 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ પર પ્રતિબંધ જેવાં પગલાં લેવામાં આવે છે.

પર્યાવરણવિદ મહેશ પંડ્યાનું કહેવું છે કે ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રૉકના વ્યવસ્થિત આંકડા નોંધાતા નથી, અને ગરમી સામે લડવાની ક્ષમતા વધારવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે. તેમણે શેડ્ઝ, પાણીની પરબો અને વૃક્ષારોપણ જેવી પહેલોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.