રાજકોટ ઑબ્ઝર્વેશન હોમમાંથી 11 બાળકો ફરાર: 7 પકડાયા, 4ની શોધખોળ ચાલુ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહ (ઑબ્ઝર્વેશન હોમ)માંથી રવિવારે સવારે 11 કિશોરો ફરાર થઈ ગયા હતા. આ ગૃહ ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કલેક્ટર અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું કે આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હતી અને તે 'ફિલ્મી' શૈલીમાં અંજામ આપવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, કિશોરોએ પહેલા ત્રણ રૂમના સીસીટીવી કૅમેરા તોડી નાખ્યા, ત્યારબાદ એક બાળકે ઈજાગ્રસ્ત હોવાનું નાટક કરી બૉર્ડનને વ્યસ્ત રાખ્યો, જ્યારે અન્ય કિશોરોએ લોખંડની જાળી તોડીને ભાગી જવાનો પ્લાન પાર પાડ્યો.
પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરતાં 11 પૈકી 7 કિશોરોને પકડી લીધા છે. પકડાયેલા કિશોરોમાં મધ્ય પ્રદેશ, ઓડિશા, બિહાર અને એક પાકિસ્તાની બાળકનો સમાવેશ થાય છે. બાકીના ચાર કિશોરોની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
આ ઘટનાએ બાળ સુધાર ગૃહની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. નિષ્ણાતો પૂછે છે કે આટલી મોટી ઘટના આયોજન સાથે અંજામ આપવામાં આવી, છતાં સુરક્ષાકર્મીઓને કેમ જાણ ન થઈ? કલેક્ટરે બચાવમાં જણાવ્યું કે ગૃહમાં ત્રણ પાળીમાં બે-બે ગાર્ડ હોય છે, પરંતુ બાળકોએ તેમને ઈજાના નાટકથી બેધ્યાન કરી દીધા.
બાળ અધિકાર કાર્યકર્તા રાજુ સોલંકીએ જણાવ્યું કે આ ગૃહ શહેરથી દૂર અને આઇસોલેટેડ છે, જે બાળકોને જેલખાના જેવું લાગે છે. તેમણે કહ્યું કે સંભાળ અને સુરક્ષાની જરૂર ધરાવતા બાળકો અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોને એકસાથે રાખવાથી માનસિક અસર થાય છે. પકડાયેલા કિશોરોને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.