ગાંધીનગર ટ્રેક્ટર રેલી: ખેડૂતોની માગ - 'અમારું ઝૂંટવીને બીજાને ન આપો'

👁 5

ચોમાસું આવી રહ્યું છે, મોટા ભાગના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ જેવા જિલ્લાના ખેડૂતોને એક અન્ય ચિંતા કોરી ખાઈ રહી છે. આ ચિંતાએ તેમને રસ્તે ઉતરવા મજબૂર કર્યા છે.

અનેક ખેડૂતોનું કહેવું છે કે તેઓ તેમનાં ખેતરમાં નવો પાક રોપી શકવા સક્ષમ નથી, કારણ કે તેમના ખેતરોમાં વીજકંપનીઓ થાંભલા રોપી રહી છે અને તેના કારણે ખેતરોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

એકતરફ આના બદલામાં ખેડૂતોને વળતર અપાશે એવી ધરપત અપાઈ રહી છે, પરંતુ બીજી તરફ સમય વીતી રહ્યો છે અને ખેડૂતો પાક લઈ શકતા નથી. તેમનું કહેવું છે કે વળતર અંગે કોઈ સ્પષ્ટીકરણ પણ આપવામાં આવતું નથી.

આ કારણોસર મોરબી, સુરેન્દ્રનગર તથા ગુજરાતના અનેક જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ સોમવારે ગાંધીનગર સુધી ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું અને હજારોની સંખ્યામાં ગાંધીનગર સુધી કૂચ કરી હતી.

બીબીસી ગુજરાતીની ટીમે કૂચ કરી રહેલા ખેડૂતો સાથે રસ્તામાં મુલાકાત કરી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની સમસ્યાઓ શું છે.

ગાંધીનગર જઈ રહેલા અનેક ખેડૂતો રસ્તામાં સૂત્રોચ્ચાર પોકારીને ટ્ર્રૅક્ટર લઈને જઈ રહ્યા હતા.

કચ્છથી રેલીમાં આવેલા એક ખેડૂત નંદલાલે કહ્યું હતું કે, "આ વીજલાઇનોથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો રાપર, હળવદ, સામખિયારી, મોરબી છે. અહીં સાત-આઠ વીજલાઇન નીકળી ગઈ છે. મારા ખેતરમાં પણ થાંભલો મૂકવામાં આવ્યો છે."

તેમણે કહ્યું હતું કે, "વળતરની પૉલિસી વારંવાર બદલાઈ રહી છે. છ મહિનામાં ચારેક વખત તેમાં ફેરફાર થયો છે. અમારી માગ એ છે કે કોઈનું ઝૂંટવીને બીજાને આપીને વિકાસ ન કરો. સમતોલ વિકાસ કરો."

બાવળાથી આવેલા એક ખેડૂતે કહ્યું હતું કે, "ખેડૂતોને દાદાગીરીથી પાંચ-છ લાખ રૂપિયાનું કહીને તેમને દબાવી દે છે. પૂરતું વળતર આપતા નથી. ટેલિફોનના થાંભલા નાખનારી કંપનીઓ લોકોને હજારો રૂપિયા વળતર આપે છે. અમારા ખેતરમાંથી કાયમી લાઇનો નીકળે છે તો અમને પણ વળતર આપવું જોઈએ."

તો ભરૂચના ઝઘડિયાથી રેલીમાં ભાગ લેવા આવેલા વૈભવ વસાવાએ કહ્યું હતું કે, "સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, ખેડૂતો પર બર્બરતા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે એવા વીડિયો પણ જોયા કે વિરોધ કરી રહેલ મહિલાઓ પર પણ પોલીસ બર્બરતા કરી રહી છે. જગતના તાતને માર મારવામાં આવી રહ્યો છે."

"જે ખેડૂતો દેશનું અર્થતંત્ર ચલાવે છે તેમને આટલા હેરાન કેમ કરવામાં આવે છે? આથી, અમે ખેડૂતોના સમર્થનમાં અહીં આવ્યા છીએ."

અન્ય એક ખેડૂતે કહ્યું હતું કે, "મારા ખેતરમાંથી થાંભલો પસાર થવાનો છે અને મને નોટિસ મળી છે. પણ પૂરતું વળતર આપતા નથી. વળતર વિશે કોઈ વાત કરતાં નથી કે આંકડો પણ આપતા નથી. ધમકીઓ પણ આપે છે."

અન્ય એક ખેડૂતનું કહેવું છે કે સરકાર પણ આ કંપનીઓને કંઈ કહેતી નથી.

મોરબીથી આવેલા એક ખેડૂત લખમણભાઈએ કહ્યું હતું કે, "અમારા ખેતરમાંથી એક વીજલાઇન પસાર થઈ છે અને હજુ બીજી બે લાઇન પસાર થવાની છે. અમને કલેક્ટરે ફરી બોલાવ્યા છે. કોઈ વળતર આપ્યું નથી કે કહ્યું પણ નથી કે કેટલું મળશે. થાંભલા પણ ઊભા થઈ ગયા છે અને હજુ કોઈ વળતર આપ્યું નથી."

તેમનું કહેવું હતું કે તેમને કલેક્ટર અથવા કોઈ કંપનીના અધિકારીએ વાત કરી નથી કે વિશ્વાસમાં લીધા નથી.

ખેડૂતોનું કહેવું છે કે જો વળતર આપ્યું હોત તો તેઓ આજે અહીં સુધી ન આવ્યા હોત.

જામનગરના એક ગામમાંથી આવેલા ખેડૂત શૈલૈષભાઈ કહે છે કે, "અમારા ખેતરોમાંથી આટલી હાઈવૉલ્ટેજ લાઇનો પસાર થવાની છે. અમે તેની નીચે કાયમ ખેતી કરવાના છીએ, એટલે અમને જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી કોની? સરકારની જવાબદારી કે વીજકંપનીની જવાબદારી? એ અંગે કોઈ ચોખવટ કરતું નથી."

તેઓ કહે છે, "અમને સાવ નજીવું વળતર આપવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અમલ પણ નથી થઈ રહ્યો."

ભરૂચના જંબુસરથી રેલીમાં ભાગ લેવા આવેલા યુસુફ આદમ પટેલનું કહેવું છે કે તેઓ ખેડૂતોના સમર્થનમાં એટલે આવ્યા છે કારણ કે આ સરકાર ખેડૂતો પર જુલમ કરીને તેમને પાયમાલ કરવા માગે છે.

તેઓ કહે છે, "જો ખેડૂતનું ધ્યાન નહીં રાખવામાં આવે તો પ્રજા ભૂખે મરશે. રાતોરાત ખેતરોમાં થાંભલા બેસાડી દેવામાં આવે છે અને ખેડૂતો રોકે તો તેમને માર મારવામાં આવે છે. સરકારે એ યાદ રાખવું જોઈએ કે ખેડૂતો સરકાર પણ ઉથલાવી શકે છે."

જંબુસરથી જ આવેલા હનીફભાઈ કહ્યું હતું કે, "હું ખેડૂતનો દીકરો છું. તમારા ભાણામાં જે ખોરાક આવે છે ખેડૂત પકવે છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈને કહેવા માગું છું કે તમે તો ગુજરાતના છો. ગુજરાતના ખેડૂત ખુશ રહે એ તમારી ફરજમાં આવે. ખેડૂતોની સમસ્યાને દૂર કરો એવી વિનંતી છે."

આગેવાન અને ખેડૂત વિપુલ ખુમાણે કહ્યું હતું કે, "વર્તમાન સરકારની તાનાશાહીને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. તેમની જ જમીનમાં તેમની મંજૂરી વગર થાંભલા નાખીને અત્યાચાર-જુલમ કરવામાં આવી રહ્યા છે. આ સરકાર ઇસ્ટ-ઇન્ડિયા કંપની જેવું શાસન કરી રહી છે અને પોતાનું જ હિત જોઈ રહી છે."

"આ સરકાર ન્યાય આપે એવી નથી. પરંતુ અમે ખેડૂતો અમારો હક્ક જતો નહીં કરીએ અને ન્યાય મેળવ્યા વગર જંપીશું નહીં."

રેલીમાં આવેલા ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ કહ્યું હતું કે, "ગુજરાત સરકાર અને વીજપોલ કંપનીઓના ત્રાસને કારણે ખેડૂતો આજે રસ્તા પર આવી ગયા છે. સરકાર સાનમાં આવી જાય અને દાદાગીરી બંધ કરે."

તેમણે કહ્યું હતું કે, "નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે ખેડૂતોની આવક બમણી કરીશું. ખેડૂતોની આવક બમણી ન થઈ અને ખેડૂતો અડધા થઈ ગયા અને રસ્તા પર આવી ગયા."

વડવાસા ગામનાં સરપંચ સત્યેશાબહેને કહ્યું હતું કે, "મારા વિસ્તારમાં એક ગામ આવે છે જેની ગામતળની આખી જમીન કંપનીને આપી દેવામાં આવી છે. ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ખેડૂતોને પાછળ મૂકીને સરકાર વિકાસની વાતો કરી રહી છે."

આ મામલે સરકારે હજુ સુધી જાહેરમાં પોતાનો પક્ષ રાખ્યો નથી.

પરંતુ રાજકોટના સાંસદ અને ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, "મેં કૃષિ મંત્રીને મળીને વિગતવાર ચર્ચા કરી છે. મુખ્ય મંત્રીના ધ્યાન પર આ વિષય છે જ. મારું માનવું છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય તેવી નીતિ બનાવવા જઈ રહી છે. સરકાર દ્વારા આનો સુખદ ઉકેલ લાવવામાં આવે તેવી અપીલ કરું છું."

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.