રામમંદિર દાન વિવાદ: લોકોએ બલિદાન આપ્યાં, હવે ચોરીના આરોપોથી આંદોલનકારીઓ પણ નારાજ

👁 3

અયોધ્યામાં રામમંદિરના દાનમાં કથિત અનિયમિતતાનો મામલો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે 7 જૂને ઍક્સ પર કરોડો રૂપિયા 'ગાયબ' થવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું, 'સમસ્ત વિશ્વમાં ભગવાન રામના ઉપાસકો માટે આ એક ખૂબ જ સંવેદનશીલ સમાચાર છે.'

અયોધ્યાના ડીએમ શશાંક ત્રિપાઠીએ જણાવ્યું કે આરોપો સંદર્ભે જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે અને તપાસ પૂર્ણ થયા પછી તથ્યો સાર્વજનિક કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે ત્રણ સભ્યની વિશેષ તપાસ દળ (એસઆઇટી) બનાવ્યું છે, જેમાં આઇએએસ વિજયવિશ્વાસ પંત, આઇપીએસ કિરણ એસ. અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલ રતન સામેલ છે. એસઆઇટી સોમવારે અયોધ્યા પહોંચી ગઈ છે.

વિપક્ષી પાર્ટીઓએ એસઆઇટી સામે અવિશ્વાસ દર્શાવીને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા તપાસની માગ કરી છે. સ્થાનિક ભાજપ નેતા રજનીશસિંહે વડા પ્રધાનને પત્ર લખીને સીબીઆઇ અને ઇડી તપાસની માગ કરી છે.

રામમંદિર આંદોલનના મુખ્ય ચહેરા અને બજરંગદળના સંસ્થાપક વિનય કટિયારે પણ આ મામલાને ગંભીર ગણાવ્યો છે. તેમણે કહ્યું, 'આ માટે લોકોએ બલિદાન આપ્યાં છે. અમારા અને કલ્યાણસિંહ જેવા લોકો જેલ ગયા છે. હાલના સમયે જે કોઈ છે, બધા ચોર છે.'

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે એક વીડિયોમાં દાનમાં અનિયમિતતાનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે હૂંડી કાઉન્ટિંગ રૂમનું ઑડિટ ન્યાસીગણ, કાર્યકરો અને સ્ટેટ બૅન્કના કર્મચારી સાથે મળીને કરવામાં આવે છે અને અત્યાર સુધી કોઈ ઉલ્લેખનીય વાત સામે આવી નથી.

ભાજપ નેતા બ્રજભૂષણ શરણસિંહે પત્રકારોને કહ્યું કે 'મોટા લોકોથી ડરવાને કારણે' તેઓ સાચું બોલી શકતા નથી. તેમણે કહ્યું, 'જો હું સાચું બોલી દઈશ તો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જઈશ.'

ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીને આ મુદ્દે બોલવાનો નૈતિક અધિકાર નથી, પરંતુ ઊભા થયેલા સવાલો ગંભીર છે અને એસઆઇટી તથ્યો ઉજાગર કરશે.

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.