બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા, ગુજરાત પર કોઈ અસર નહીં
ભારતમાં હાલ ચોમાસું શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે. આંદામાન નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યા બાદ હવે તે કેરળ તરફ આગળ વધશે. આ દરમિયાન ગુજરાત ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે, જે આગામી ચારથી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.
બીજી તરફ બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે અને ત્યાં વાવાઝોડા પહેલાંની સિસ્ટમ બની ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ લો-પ્રેશર એરિયા સર્જાયો છે. આ સિસ્ટમ આગળ વધશે અને દરિયામાંથી તાકાત મેળવીને વધુ મજબૂત બનશે.
સામાન્ય રીતે મે મહિનો ભારતના દરિયામાં વાવાઝોડાં સર્જાવા માટે અનુકૂળ હોય છે. આ વર્ષે હજી સુધી એક પણ વાવાઝોડું સર્જાયું નથી, અને આ સિસ્ટમ જો વાવાઝોડામાં પરિવર્તિત થશે તો તે વર્ષનું પ્રથમ વાવાઝોડું હશે.
હવામાન વિભાગ મુજબ, ઉત્તર તામિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા પાસે લો-પ્રેશર સિસ્ટમ બની છે, જે બંગાળની ખાડીમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. આ સિસ્ટમ દરિયામાં આગળ વધ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને વધુ મજબૂત થવાની શક્યતા છે.
બંગાળની ખાડીની જળસપાટીનું તાપમાન 28થી 30 ડિગ્રી સેલ્સિયસ છે, જે વાવાઝોડા માટે અનુકૂળ છે. જોકે, તાપમાન સિવાય અન્ય પરિબળો પણ મહત્વપૂર્ણ છે. વિવિધ મોડલો દર્શાવે છે કે આ સિસ્ટમ મજબૂત બનશે અને કેટલાક મોડલો અનુસાર તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે.
આ સિસ્ટમ કઈ તરફ જશે તે હજી નક્કી થયું નથી, કારણ કે મોડલો એકમત નથી. બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંનો ખતરો ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ પર હોય છે. જોકે, ગુજરાત પર આ વાવાઝોડાની સીધી અસર થવાની શક્યતા નથી.
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં લૂની સ્થિતિ છે. હવામાન વિભાગ મુજબ, આગામી ચારથી પાંચ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નથી. રાજ્યના 19 જિલ્લાઓમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને કેટલાકમાં યલો એલર્ટ છે.
અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 22 મેના રોજ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે અન્ય વિસ્તારોમાં 42થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું.
બંગાળની ખાડીમાં સર્જાનારાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાત પર થતી નથી. આ વાવાઝોડાની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, મ્યાનમાર અને બાંગ્લાદેશ પર થાય છે. હાલની સિસ્ટમ વાવાઝોડું બને તો પણ ગુજરાત પર તેની કોઈ અસર થવાની નથી. રાજ્યમાં ગરમી ચાલુ રહેશે અને આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.
ચોમાસાની બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. 19 મેના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર ટાપુ અને દક્ષિણ શ્રીલંકા સુધી પહોંચી ગયું છે. હવે ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદિવ્સ અને કોમોરિન એરિયામાં પહોંચે તેવી શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે આગળ વધી રહ્યું છે.
કેરળના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચોમાસું કેરળ પર પહોંચ્યા બાદ કર્ણાટક, તેલંગણા, ગોવા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં સામાન્ય રીતે ચાર કે પાંચ દિવસ પછી એન્ટ્રી થાય છે.
ગયા વર્ષે બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસાની શરૂઆત મોડી થઈ હતી અને ગુજરાતમાં દસ દિવસ જેટલું મોડું પહોંચ્યું હતું. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં સૌથી પહેલાં ચોમાસાની શરૂઆત થાય છે.