ભારત Aના 349 રન છતાં અફઘાનિસ્તાન Aનો DLS નિયમથી વિજય
શ્રીલંકામાં રમાઈ રહેલી 'શ્રીલંકા A ટીમ ટ્રાઇ સિરીઝ'માં ભારત A ટીમનો અફઘાનિસ્તાન A સામે ચાર રનથી પરાજય થયો હતો. ભારતીય A ટીમે પ્રથમ બેટિંગ કરતા 49 ઓવરમાં નવ વિકેટે 349 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે 25.5 ઓવરમાં બે વિકેટે 177 રન બનાવ્યા હતા. મેચમાં વરસાદ પડવાના કારણે મેચ રોકી દેવાઈ હતી અને અફઘાનિસ્તાનની ટીમનો ડકવર્થ લુઈસ નિયમથી અંતે 4 રનથી વિજય થયો હતો.
ભારતના પ્રભસિમરનસિંહ અને વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર શરૂઆત કરી હતી, પ્રથમ 7 ઓવરમાં 74 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશી 22 બોલમાં 44 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે ઋતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્માએ 66-66 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના અબ્દોલ્લાહ અહમદઝાઈએ 5 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાનના કેપ્ટન ઇમરાને 70 બોલમાં 75 રન અને બહીરશાહે 52 બોલમાં 52 રન બનાવીને 108 રનની ભાગીદારી કરી હતી. વરસાદ પડતા મેચ અટકાવી દેવામાં આવી હતી અને DLS નિયમ અનુસાર અફઘાનિસ્તાનને 4 રનથી જીત આપવામાં આવી હતી.
ડકવર્થ લુઈસ નિયમ 1992ના વર્લ્ડકપ દરમિયાન સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચમાં થયેલી ગડબડી બાદ વિકસાવવામાં આવ્યો હતો. ફ્રેંક ડકવર્થ અને ટોની લુઈસે આ નિયમ બનાવ્યો હતો, જે 2001માં ICC દ્વારા ઔપચારિક રીતે સ્વીકારવામાં આવ્યો હતો. 2014માં તેનું નામ બદલીને ડકવર્થ લુઈસ સ્ટર્ન (DLS) કરવામાં આવ્યું હતું.