ઍર ઇન્ડિયા ક્રૅશના એક વર્ષ બાદ: એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમારની પીડા અને સંઘર્ષ
અમદાવાદ ઍર ઇન્ડિયા વિમાન અકસ્માતને એક વર્ષ પૂર્ણ થવા પર આ અકસ્માતમાં જીવતા બચેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસકુમાર રમેશે કહ્યું છે કે તેઓ આજે પણ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે.
વિશ્વાસકુમાર રમેશે જણાવ્યું કે, "લોકો જુએ છે કે હું બચી ગયો છું, પરંતુ તેઓ હંમેશાં એ પડકારોને નથી જોઈ શકતા જે બંધ દરવાજાઓ પાછળ રહે છે. હું હજુ પણ ઊંઘ ન આવવી, ચિંતા અને દુઃખદ યાદોથી ઝઝૂમી રહ્યો છું. એક વર્ષ વીતી ગયાં બાદ પણ, હું મારી જિંદગીને ફરીથી ગોઠવવાનો અને મારા પરિવારને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું."
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ તેમનું કહેવું છે કે, "હું જીવતો રહ્યો તેના માટે આભારી છું, પરંતુ જીવતો બચી જવું માત્ર કહાનીનો એક ભાગ છે. તેના બાદ મેં જે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, તે એટલી મુશ્કેલ રહી છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે."
ગયા વર્ષે 12 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાંથી લંડન જતું ઍર ઇન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.