ગુજરાતમાં વરસાદની આગાહી: સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભીનાશની શક્યતા
ગુજરાતમાં બપોરે ગરમીના કારણે દિવસ દરમિયાન બફારો અને રાત્રે સામાન્ય પવન સાથે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સવાલ છે કે હવે ચોમાસું કેટલા દિવસ ખેંચાશે?
છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડી રહ્યો છે, પરંતુ તેનાથી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
ભારતમાં 4 જૂનથી શરૂ થયેલું ચોમાસું 8 જૂને જે સ્થળે પહોંચ્યું હતું, હાલ પણ તે જ વિસ્તારમાં અટકી ગયું છે. હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસમાં મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં હજુ પ્રીમોન્સૂન વરસાદની યોગ્ય શરૂઆત થઈ નથી અને ચોમાસાની એન્ટ્રી પાછી ઠેલાઈ રહી છે. જોકે, હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.
18 જૂનથી ભારતમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, ચોમાસું હાલ આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના બાકીના ભાગોમાં તેમજ તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.
આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
17 જૂને પણ આ જ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 18 જૂનથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 19 અને 20 જૂને પણ આ જ પેટર્ન ચાલુ રહેશે.
આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું.