સોના-ચાંદીના ભાવમાં વધારો: ઇમ્પોર્ટ ડ્યૂટી 15% થતાં ગ્રાહકો પર શું અસર?
ભારત સરકારે સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી નાખી છે. બુધવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ નિર્ણય કિંમતી ધાતુઓની આયાત ઘટાડવા અને વિદેશી હુંડિયામણ પરના દબાણને રોકવાના હેતુસર લેવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાનાં ઘરેણાં ન ખરીદે. તેમણે કહ્યું, "સોનાની ખરીદીમાં ભારે વિદેશી ચલણ વપરાય છે. એક સમય હતો જ્યારે સંકટ આવતા લોકો દેશહિતમાં પોતાનું સોનું દાનમાં આપતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ લોકહિતમાં આપણે નક્કી કરવાનું રહેશે કે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદીએ."
સરકારે સોના અને ચાંદી પર 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી અને 5 ટકા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ લગાવ્યો છે, જેનાથી કુલ ઇમ્પોર્ટ ડ્યૂટી 15 ટકા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ભારતમાં આવતા સોના અને ચાંદીના ઘરેણાં, ટ્રેડર્સ, જ્વેલર્સ અને અંતે સામાન્ય વપરાશકારે ઊંચા ભાવ ચૂકવવા પડશે.
જોકે, આંતરરાષ્ટ્રીય સોનાની કિંમત પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય, પરંતુ ઘરેલુ ભાવ પર તેની અસર પડી શકે છે. રૉયટર્સ મુજબ, ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ 2025-26માં 71 અબજ ડૉલર પાર કરી ગઈ હતી. ક્રૂડ ઑઇલ પછી સોનાનો આયાત ખર્ચ સૌથી વધારે છે.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, "અનુમાન હતું તે પ્રમાણે સરકારે ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે દર વધાર્યા છે. જોકે, તેની અસર માંગ પર પડી શકે છે, કારણ કે સોના અને ચાંદીના ભાવ પહેલેથી ઊંચા સ્તરે છે."
છેલ્લા એક વર્ષમાં શૅરબજારમાં નેગેટિવ રિટર્ન અને સોનાના ભાવોમાં તેજી વચ્ચે ભારતમાં સોનાની માંગ વધી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ, માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતના ગોલ્ડ ETFમાં રોકાણ ગયા વર્ષની સરખામણીએ 186 ટકા વધ્યું છે.
વડા પ્રધાનની અપીલ પછી જ્વેલરી કંપનીઓના શૅરો પર દબાણ છે. છેલ્લા બે દિવસમાં ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ, રાજેશ ઍક્સપોર્ટ્સ જેવી કંપનીઓના શૅરોમાં 10થી 15 ટકા ઘટાડો થયો છે.
અર્થશાસ્ત્રીઓ સોનાને સામાન્ય ઉપયોગની ચીજ નથી માનતા. તેઓ ગોલ્ડની આયાતને વૈકલ્પિક ખર્ચ અથવા રોકાણનો વિકલ્પ ગણે છે. મોટા પ્રમાણમાં સોનું ખરીદવાથી ડૉલરનો ખર્ચ વધે છે, જે ચાલુ ખાતાની ખાધ વધારે છે અને રૂપિયાને નબળો કરે છે. આ કારણથી જ સરકારો સોનાની આયાત અંગે સતર્ક થઈ જાય છે.
ભૂતકાળમાં પણ સરકારોએ સોનાની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે અને સોવરિન ગોલ્ડ બૉન્ડ, ETF જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપ્યું છે. આ પગલાંનો હેતુ વિદેશી ચલણના ભંડાર પર દબાણ ઓછું કરવાનો અને રૂપિયાને સ્થિર રાખવાનો છે.