વડોદરા: ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ, 3 શ્રમિકના મોત; તપાસ અધિકારીઓનું મૌન ચિંતાજનક
વડોદરા સમાચાર: વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વીજ વાયરોના કામ દરમિયાન પોલ હલી જતાં આ દુર્ઘટના બની હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઇટેન્શન લાઇન કેબલો નાખવાનું કામ ચાલતું હતું. આમાં 765KV વડોદરા સાઉથ ઓલપાડની વીજ લાઇન નવી બનાવવાની કામગીરી શામેલ હતી. આ દરમિયાન વીજપોલ ધરાશાઈ થવાથી પશ્ચિમ બંગાળથી કામ અર્થે આવેલા ત્રણ શ્રમિકોના મોત થયા છે.
આ વીજ થાંભલા ઉભા કરવાનો કોન્ટ્રાક ટી.એલ.એલ. કંપનીને મળ્યો હતો. ત્રણ શ્રમિકોના મોતને પગલે તપાસ અર્થે આવેલા અધિકારીઓએ ઘટના બાબતે જવાબ આપવાનો ઇનકાર કર્યો હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.