યુરોપમાં સેક્સથી ફેલાતા ચેપનો રેકોર્ડ વધારો: ગોનોરિયા અને સિફિલિસના કેસમાં ભારે ઉછાળો

👁 4

નવા ડેટા અનુસાર, ગોનોરિયા અને સિફિલિસ સહિતના સેક્સના કારણે ફેલાતા ચેપ (એસટીઆઇ) યુરોપમાં રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે.

યુરોપિયન સેન્ટર ફૉર ડિસીઝ પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ (ઇસીડીસી)એ જણાવ્યું હતું કે 2024માં બંને રોગો દસ વર્ષ કરતાં વધુ સમયમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા.

ગોનોરિયાના 1,06,331 કેસ નોંધાયા, જે 2015થી 303% વધુ છે. જ્યારે સિફિલિસના કેસ આ જ સમયગાળામાં બમણાથી વધીને 45,557 થઈ ગયા છે.

આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે, "પરીક્ષણ અને નિવારણમાં વધતું જતું અંતર" ચેપમાં વધારા પાછળ અંશતઃ જવાબદાર છે. તેના અનુસંધાને તાત્કાલિક પગલાં લેવાની તેણે હાકલ કરી હતી.

એજન્સીના ડાયરેક્ટલી ટ્રાન્સમિટેડ ઍન્ડ વૅક્સિન-પ્રિવેન્ટેબલ ડિસીઝ યુનિટના વડા બ્રુનો સિયાન્સિઓએ જણાવ્યું હતું,"આ ચેપ વાંરવાર ઊથલો મારતો દુ:ખાવો અને વંધ્યત્વ જેવી ગંભીર મુશ્કેલીઓ પેદા કરી શકે છે, સિફિલિસના કિસ્સામાં, હૃદય અથવા ચેતાતંત્રની સમસ્યાઓ થઈ શકે છે."

તેમણે કહ્યું કે જન્મજાત સિફિલિસના કેસ, "જેમાં ચેપ સીધા નવજાત શિશુમાં ફેલાય છે, આવી સ્થિતિ સંભવિતપણે આખી જિંદગીની મુશ્કેલી બની જાય છે." આવા કેસોની સંખ્યા 2023થી 2024 સુધીમાં લગભગ બમણા થઈ ગયા છે.

"તમારા સેક્સુઅલ સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની વાત સાવ સીધી છે. નવા અથવા એક કરતાં વધુ પાર્ટનર સાથે કૉન્ડોમનો ઉપયોગ કરો, અને જો લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવો."

2024માં ભાગ લેનારા યુરોપિયન દેશો પૈકી સ્પેનમાં ગોનોરિયા અને સિફિલિસના સૌથી વધુ કન્ફર્મ કેસ જોવા મળ્યા હતા, જે અનુક્રમે 37,169 અને 11,556 હતા.

ઇસીડીસીએ જણાવ્યું હતું કે પુરુષો સાથે સેક્સ માણનારા પુરુષો અપ્રમાણસર રીતે પ્રભાવિત જૂથ તરીકે જળવાઈ રહ્યા, જે ગોનોરિયા અને સિફિલિસમાં સૌથી તીવ્ર લાંબા ગાળાનો વધારો દર્શાવે છે.

તેમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે પ્રજનનની વય ધરાવતી અને પુરુષો તરફ આકર્ષણ અનુભવતી સ્ત્રીઓમાં સિફિલિસમાં મોટો વધારો જોવા મળ્યો હતો.

ક્લેમીડિયા હજુ પણ એકંદરે સૌથી વધુ નોંધાયેલ બૅક્ટેરિયલ ચેપ હતો, 2015થી કેસ 6% ઘટીને 2,13,443 થયા છે.

બ્રેક્ઝિટ પછી યુકે આ સંશોધનનો ભાગ રહ્યું નથી, પરંતુ સરકાર દર વર્ષે ઇંગ્લૅન્ડના પોતાના આંકડા જાહેર કરે છે.

ડિસેમ્બરમાં પ્રકાશિત થયેલા યુકે હેલ્થ સિક્યૉરિટી એજન્સીના અહેવાલ મુજબ, 2024માં ઇંગ્લૅન્ડમાં ગોનોરિયાના 71,802 કેસ અને સિફિલિસના 9,535 કેસ હતા.

આ જ 12 મહિનામાં ક્લેમીડિયાનાં 1,68,889 નિદાન થયાં હતાં.

2023માં રેકૉર્ડ 85,000 કેસ નોંધાયા બાદ યુકેએ 2025માં ગોનોરિયા રસી રજૂ કરી.

ગોનોરિયાનાં લક્ષણોમાં દુ:ખાવો, અસામાન્ય સ્રાવ અને જનનાંગોમાં બળતરા સામેલ હોઈ શકે છે - પરંતુ કેટલાક કિસ્સામાં કોઈ લક્ષણો દેખાતાં નથી.

એનએચએસ પ્રમાણે કૉન્ડોમના યોગ્ય ઉપયોગ અને ઑફર કરાય તો રસી લઈને આનાથી બચી શકાય છે.

સિફિલિસનાં લક્ષણોમાં ગુપ્તાંગ અને મોંની આસપાસ ચાંદા, હાથ પર ફોલ્લીઓ, વાળ ખરવા અને ફ્લૂ જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં ઘણી વાર તેના પર ધ્યાન પડવાનું મુશ્કેલ હોય છે, અને સમય જતાં લક્ષણો દેખાય અને જતાં રહે એવું પણ બને.

ગોનોરિયાની જેમ, કૉન્ડોમનો ઉપયોગ કરીને અને ઍન્ટિબાયૉટિક્સથી સારવાર કરીને તેને ટાળી શકાય છે. જો સારવાર ન કરવામાં આવે તો એ બંને ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

© 2026 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી. બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.