ભાજપ MLA ભગા બારડનો ધારાસભ્ય પદેથી રાજીનામાનો પડકાર: જૂથબંધી સામે ફાટી નીકળ્યો અસંતોષ
ગુજરાત રાજકારણ: ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપ ધારાસભ્ય ભગા બારડે પક્ષની આંતરિક જૂથબંધી સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું, 'જો અહીં બેઠેલા લોકો મને કહેશે તો હું અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.' આ નિવેદન સાથે તેમણે પક્ષના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે.
ભાજપ ધારાસભ્ય ભગા બારડનો ઉભરો
ભાજપમાં આંતરિક જૂથબંધી ચરમસિમાએ પહોંચી છે. આંતરકલહ એટલો વકર્યો છે કે ધારાસભ્યોના કામોમાં પણ પક્ષના જ લોકો અડચણ ઊભી કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ધારાસભ્ય ભગા બારડે સમર્થકોની હાજરીમાં આક્રોશ ઠાલવ્યો: 'સરકારમાં મારા કામ થવા દેવામાં આવતા નથી. જાણીજોઈને બધા જ કામો અટકાવી દેવામાં આવે છે.'
આ પણ વાંચો: ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: આજે અમદાવાદથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની રેલી
ભગા બારડે વિરોધીઓને આકરા શબ્દોમાં કહ્યું, 'હું મારી રીતે કામ કરવા ટેવાયેલો છું. એ લોકો એવી રીતે મારાથી કામ નહીં થાય.' આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડને હવે કેસરીયો રંગ માફક આવી રહ્યો નથી. તેમનો ભાજપથી મોહભંગ થઈ ચૂક્યો હોય તેવું રાજકીય ચિત્ર ઉપસ્યું છે.
ભગા બારડે જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો: 'અહીં હાજર લોકોમાંથી 50 ટકા લોકો જો મને કહેશે, તો હું અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.' તેમણે આગામી સમયની રાજકીય નબળાઈ સ્વીકારતા કહ્યું કે, '2027ની વિધાનસભાની ચૂંટણી તો આ પંચાયતની ચૂંટણીમાં જ લડાઈ ગઈ છે.' આ નિવેદન દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથબંધી સપાટીએ પહોંચી છે.