ગુજરાતમાં ચોમાસું મોડું: હજુ કેટલા દિવસ વરસાદની રાહ જોવી પડશે?

👁 2

જૂન માસની શરૂઆતથી 10 તારીખ સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી અને બફારાને કારણે લોકો ત્રસ્ત જોવા મળ્યા હતા. જોકે, પાછલા બે દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે આ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. 17 જૂને અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડ્યો હતો.

સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખત ચોમાસાનાં વાદળો પણ રાજ્યના આકાશમાં જોઈએ એવાં નથી દેખાઈ રહ્યાં. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને સમગ્ર ભારતમાં ચોમાસાની આગેકૂચ અંગેની આગાહી કરી હતી.

હવામાન વિભાગની 17 જૂનના રોજ બપોરના 12 વાગ્યે જાહેર કરેલી આગાહી મુજબ, આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન નૈઋત્ય ચોમાસું તેલંગણા, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારના કેટલાક વધુ ભાગો આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે. આગાહી મુજબ, 18 જૂનના રોજ અરવલ્લી, દાહોદ અને મહીસાગર ખાતે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. 19 અને 20 જૂનના રોજ, રાજ્યના બધા જિલ્લામાં શુષ્ક હવામાન રહી શકે છે.

ગુજરાતમાં હજુ પણ આગામી થોડા દિવસ સુધી ગરમી પડવાની શક્યતા છે. આ ગરમીમાંથી ઝાઝી રાહત મળવાની શક્યતાઓ હાલ થોડા દિવસ સુધી નથી. ઉપરાંત રાજ્યમાં હાલ ફૂંકાઈ રહેલા પવન જેટલો જ પવન આગામી દિવસોમાં પણ ફૂંકાશે તેવી શક્યતા છે.

સામાન્ય રીતે ગુજરાતમાં મોટા ભાગે 15 જૂનની આસપાસ ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખત ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ખૂબ મોડી થાય એવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે હાલ ચોમાસાની સ્થિતિ 8 જૂને જેવી હતી તેવી જ છે, નોંધનીય છે કે 8 જૂને ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારો પર હતું, જ્યાંથી તે આગળ નથી વધ્યું. અરબી સમુદ્રની બ્રાન્ચ નબળી પડી ગઈ છે અને એ હજુ વધુ નબળી પડે તેવી સ્થિતિ પણ શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કેરળ, કર્ણાટક, ગોવા, અને તેલંગણા તરફ વરસાદ હજુ ઘટવાની શક્યતા છે, એટલે કે ચોમાસું હજુ પણ ત્યાં નબળું પડે એવી શક્યતા છે. પહેલાં 22-23 તારીખની આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા હતી, પરંતુ હાલ એવી શક્યતા દેખાઈ નથી રહી. હવામાન વિભાગ અને અન્ય એજન્સીઓનાં મૉડલો પ્રમાણે, 25-26 તારીખથી ચોમાસું આપણે ત્યાં ફરીથી સક્રિય થાય તેવી સંભાવના છે.

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.