ICC મહિલા T20 વર્લ્ડકપ: ભારતીય કોચ અમોલ મજુમદારની ટીમની તૈયારી અને અપેક્ષાઓ

👁 3

ICC મહિલા T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના મુખ્ય કોચ અમોલ મજુમદારે વર્લ્ડકપ માટે ટીમ રવાના થઈ એ પહેલાં બૅંગલુરુમાં BCCI સેન્ટર ઑફ ઍક્સેલન્સ ખાતે યોજાયેલા ટીમના ટ્રેનિંગ કૅમ્પ દરમિયાન બીબીસી મરાઠી સાથે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તેમણે ટીમની તૈયારી, પ્રથમ ICC મહિલા ODI વર્લ્ડકપ જીત્યા પછીના છ મહિનાના તેમના અનુભવો અને મહિલા ક્રિકેટમાં થયેલા ફેરફારો વિશે સ્પષ્ટપણે વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે, "અમારી તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. હવે જોઈએ શું થાય છે. T20 ક્રિકેટમાં તમે કોઈને ઓછા ન આંકી શકો. જો તમે એવું કરશો તો તેની કિંમત ચૂકવવી પડશે,"

નવેમ્બર 2025માં ODI વર્લ્ડકપ જીત્યા બાદ, T20 વર્લ્ડકપમાં પ્રવેશતી ટીમ ઇન્ડિયા પાસેથી અપેક્ષાઓ ઘણી ઊંચી છે. ભારત ગ્રૂપ Aમાં છે, જ્યાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો પણ છે.

ટીમે તાજેતરના મહિનાઓમાં બંને દેશોનો પ્રવાસ કર્યો છે. તો, વર્લ્ડકપમાં સૌથી મોટો પડકાર કોણ બનશે?

અમોલ મજુમદાર કહે છે, "દુનિયામાં એવી કોઈ ટીમ નથી જે T20 ક્રિકેટમાં તમને પડકાર ન આપી શકે. કોઈપણ દિવસે, નબળી ગણાતી ટીમો પણ એટલી જ ખતરનાક બની શકે છે. તેથી જ હું હંમેશાં મારાં ખેલાડીઓને કહું છું કે કોઈને હળવાશથી ન લો."

ગ્રૂપમાં મુખ્ય પડકારો વિશે પૂછવામાં આવતા મજુમદારે જણાવ્યું કે, "અમારું ગ્રૂપ મજબૂત છે. તેમાં ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. દરેક મૅચ મહત્ત્વપૂર્ણ રહેશે."

"ICC ટુર્નામેન્ટમાં કોઈ ટીમ નબળી નથી અને કોઈ ટીમ બહુ મોટી પણ નથી. ICC ઇવેન્ટ્સમાં એક અલગ પ્રકારનું દબાણ હોય છે."

"જો તમે મૅચના દિવસે તે દબાણને સંભાળી લો તો તમે જીતી શકો છો."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

ન્યૂઝીલૅન્ડે T20 વર્લ્ડ કપની અગાઉની આવૃત્તિ જીતી હતી અને હવે તે પોતાનું ટાઇટલ બચાવવાનો પ્રયાસ કરશે.

બીજી બાજુ, ઇંગ્લૅન્ડને ઘર આંગણે રમવાનો લાભ મળશે. તો ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના બદલાતા હવામાનની પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે કેવી તૈયારીઓ કરી રહી છે?

કોચ મજુમદાર કહે છે, "અમે ગયા વર્ષે ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યાં T20 શ્રેણી દરમિયાન ભારતે પહેલીવાર T20માં ઇંગ્લૅન્ડ જેવી મજબૂત ટીમને 3-2થી હરાવી હતી અને ODI શ્રેણી પણ 2-1થી જીતી હતી. આવું અગાઉ ક્યારેય બન્યું નથી."

"લગભગ એ જ ટીમ ત્યાં હતી, હવે માત્ર 2-3 ફેરફારો થયા છે. તેથી અમને ઇંગ્લૅન્ડમાં રમવાનો આત્મવિશ્વાસ અને અનુભવ બંને છે."

"બૅંગલુરુનું હવામાન ઇંગ્લૅન્ડ જેવું નથી, પરંતુ અમે અહીં જે પ્રકારની પિચોની જરૂર હોય તે તૈયાર કરી શકીએ છીએ, થોડી લીલી સપાટી જ્યાં બૉલ થોડો ફરે."

"અમે ઇંગ્લૅન્ડ જેવું હવામાન તો ન બનાવી શકીએ, પરંતુ તેની નજીક તો પહોંચી શકીએ."

મજુમદારનો ઇંગ્લૅન્ડ ક્લબ લીગમાં રમવાનો વર્ષોનો અનુભવ ટીમને ફાયદો કરાવી શકે તેમ છે.

"ઇંગ્લૅન્ડમાં ફક્ત બે ઉનાળા જ નહીં, બે દિવસ પણ સરખા નથી હોતા. અમે એજબેસ્ટન, હેડિંગલી, લીડ્સ અને માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફોર્ડ જેવા ઉત્તરીય પ્રદેશોમાં રમવાના છીએ. ઉત્તરીય ભાગોની પરિસ્થિતિનો અંદાજ લગાવવો અશક્ય છે."

મજુમદારે આગળ ઉમેર્યું, "હવામાન બદલાતું રહે છે અને તેના પર કોઈનું નિયંત્રણ નથી હોતું. હું હંમેશાં કહું છું કે જે તમારા નિયંત્રણમાં હોય તેને જ નિયંત્રિત કરો અને ફક્ત તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો."

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images

ઇંગ્લૅન્ડ જતા પહેલાં ટીમ ઇન્ડિયાએ 2026માં બે મહત્ત્વના પ્રવાસો કર્યા હતા.

ફેબ્રુઆરી-માર્ચમાં ઑસ્ટ્રેલિયા અને એપ્રિલમાં દક્ષિણ આફ્રિકા.

ટીમને એકે શ્રેણીમાં કોઈ ખાસ મોટી સફળતા તો નહોતી મળી, પરંતુ મજુમદારનું કહેવું છે કે તે અનુભવમાંથી અમે ઘણું શીખ્યા.

તેઓ જણાવે છે, "અમે શું શીખ્યા અને ક્યાં સુધારાની જરૂર છે તેની ચર્ચા કરી. નંદિની શર્માને બાદ કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમ લગભગ એ જ હતી, અને રાધા યાદવ પરત ફર્યાં હતાં."

"ઘણી સકારાત્મક બાબતો હતી. હારમાંથી ઘણું શીખી શકાય છે, અને અમે પણ એ જ કર્યું."

"બીજી સકારાત્મક બાબત એ છે કે લગભગ એક મહિના પહેલા અમે ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ પહેલીવાર T20 શ્રેણી ગુમાવી હતી."

"મને નથી લાગતું કે તેઓ છેલ્લાં 15-20 વર્ષોમાં હાર્યા હોય. અમે પૂરતી ચર્ચાઓ કરી છે, હવે અમલ કરવાનો છે."

નવેમ્બર 2025માં ICC મહિલા ODI વર્લ્ડકપમાં મળેલી પ્રેરણાદાયી જીત બાદ ભારતીય ટીમના ચાહકોમાં ભારે વધારો થયો છે અને વિશ્લેષકોનું ધ્યાન પણ ખેંચાયું છે.

જ્યારે T20 વર્લ્ડકપ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ પણ થઈ હતી.

વધતી જતી ફેન ફૉલોઇંગ સાથે BCCIએ ટીમની જાહેરાત કરતો એક વીડિયો પણ બહાર પાડ્યો હતો. આવી ચર્ચાઓ અને ટીકાઓ ખેલાડીઓ પર કેવી અસર કરે છે?

મજુમદાર કહે છે, "ફરી એ જ વાત, જે તમારા નિયંત્રણમાં છે, તેને નિયંત્રિત કરો. તમે સોશિયલ મીડિયાને નિયંત્રિત કરી શકતા નથી. મહિલા ક્રિકેટ ટીમને લોકોના ધ્યાનની જરૂર હતી, અને છેલ્લા છ મહિનામાં આ ધ્યાન ખૂબ જ વધ્યું છે."

"જ્યારે અમે ઑસ્ટ્રેલિયા ગયા ત્યારે T20 મૅચ દરમિયાન સિડનીનું સ્ટેડિયમ ભરેલું હતું. એડિલેડમાં ત્રીજી મૅચ નિર્ણાયક હતી અને તે પણ હાઉસફુલ હતી."

"ટેસ્ટ મૅચોમાં પણ 8-10 હજાર દર્શકો આવ્યા, જેમાં બાળકો અને પુખ્ત વયના લોકો પણ હતા.

"અમને જે ધ્યાનની જરૂર હતી, તે મળ્યું છે. મહિલા ક્રિકેટમાં હજુ પણ સુધારાને સ્થાન છે."

"હવે ખૂબ બારીકાઈથી ચકાસણી થાય છે, એ દરેક વ્યક્તિ જાણે છે. કેટલાક સોશિયલ મીડિયાને અવગણી શકાય તેમ છે, પણ બધાંને નહીં."

"ત્યાંથી તમને ઉપયોગી સૂચનો પણ મળી શકે છે. શું સ્વીકારવું, શું નહીં, તે તમારે નક્કી કરવાનું છે."

તાજેતરમાં BBC દ્વારા 14 રાજ્યોમાં 10 હજારથી વધુ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે:

ઇમેજ સ્રોત, Matt Roberts-ICC/ICC via Getty Images

મજુમદારે જણાવ્યું, "મારા ઘરમાં પણ આ પરિવર્તન દેખાઈ રહ્યું છે. પહેલાં ક્રિકેટ વધારે જોવા મળતી નહોતી."

"હવે જ્યારે પણ ટીવી ચાલુ કરું ત્યારે કોઈને કોઈ રમત રમાઈ રહી હોય છે. મારી પત્ની અમારી મહિલા ટીમની પ્રખર ચાહક બની ગઈ છે."

"બીજો ફેરફાર એ છે કે આ ખેલાડીઓના ફેન ફૉલોઇંગમાં ઘણો વધારો થયો છે, ફક્ત મેદાનમાં જ નહીં પરંતુ ઍરપોર્ટ અથવા રેસ્ટોરાંમાં પણ."

"રિચા ઘોષ, જે માત્ર 20-22 વર્ષની છે, તેની ફેન ફૉલોઇંગ ખૂબ મોટી છે. શેફાલી વર્માનો પોતાનો ફેન બેઝ છે."

"હવે ફક્ત જેમીમાહ, સ્મૃતિ, હરમન, કે દીપ્તિ જ નહીં, પણ અન્ય લોકોના પણ સમર્પિત ફૉલોઅર્સ છે. ક્રાંતિ ગૌડનું પણ વિશાળ ફેન ફૉલોઇંગ છે."

"આ વર્ષે IPL દરમિયાન મેં સ્મૃતિ અને હરમનને દર્શાવતી જાહેરાતો જોઈ હતી. તે જોઈને ખૂબ જ સારું લાગ્યું."

"હું ઘણીવાર મનોમન વિચારું છું કે આવી પ્રતિભાશાળી ટીમનો ભાગ બનવા માટે હું કેટલો બધો ભાગ્યશાળી છું. વધુ મહત્ત્વની વાત એ છે કે તમામ 15 ખેલાડીઓ અદ્ભુત વ્યક્તિઓ છે."

જ્યારે મજુમદારે 2023માં મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમનો અભિગમ શું હતો?

તેઓ કહે છે, "જ્યારે મેં આ પદ માટે અરજી કરી ત્યારે મેં તેને પુરુષો કે મહિલાઓની ટીમ તરીકે જોઈ નહોતી. મેં તેને ભારતીય ક્રિકેટ ટીમ તરીકે જોઈ હતી. મારો ઉદ્દેશ્ય ભારતીય ક્રિકેટની સેવા કરવાનો હતો."

"હું વિરાટ કે રોહિતને જે કહું, એ જ વાત હું હરમન કે સ્મૃતિ મંધાનાને પણ કહું છું. કેટલીક બાબતો અલગ છે, પરંતુ તે પરિસ્થિતિ પર આધારિત છે. અભિગમ એ જ છે કે કામ યોગ્ય રીતે અને સતત કરતા રહેવું."

ઇમેજ સ્રોત, Indranil MUKHERJEE / AFP via Getty Images

ભારતમાં BCCIએ 2023માં મહિલા પ્રીમિયર લીગ (WPL)ની શરૂઆત કરી હતી.

જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું મહિલા સંસ્કરણ છે, અને વિશ્વની સૌથી મોટી T20 ફ્રેન્ચાઇઝ સ્પર્ધા છે.

WPLએ મહિલા ક્રિકેટને એક મોટું મંચ પૂરું પાડ્યું છે. મજુમદાર તેને ભારતીય મહિલા ક્રિકેટ માટે ગેમ-ચેન્જર ગણે છે.

"નહીંતર પ્રતિભા પારખવામાં ઘણો સમય લાગ્યો હોત. પરંતુ WPL પ્રતિભાને તમારી આંખ સામે લાવીને મૂકી દે છે."

"શ્રીચરણી અને ક્રાંતિ ગૌડ જેવી ખેલાડીઓ તેમાંથી ઊભરી આવી છે. સારી WPL અને સ્થાનિક સીઝન ભારતીય ટીમ માટે દરવાજા ખોલી શકે છે."

"દરેક વ્યક્તિ WPL જુએ છે, કારણ કે તે કુશળતા દર્શાવવા માટે એક મંચ આપે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તે ખેલાડીઓના સ્વભાવ અને માનસિક મજબૂતીની કસોટી કરે છે."

"મેચો ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમોમાં રમાય છે."

"ખાલી અને ભરેલા સ્ટેડિયમમાં રમવામાં ઘણો તફાવત હોય છે. WPL મૅચોમાં દબાણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેવું જ હોય છે, જે ફાયદાકારક છે."

અનેક સ્પર્ધાઓને કારણે ઘણી પ્રતિભાશાળી ખેલાડીઓ ઊભરી રહી છે. તેમની રાષ્ટ્રીય ટીમ પર કેવી અસર પડે છે?

મજુમદાર કહે છે, "જો તમારી બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત હોય તો તે મુખ્ય ટીમ પર સારું પ્રદર્શન કરવા માટેનું દબાણ ઊભું કરે છે."

"તેનાથી વધુ સારું પ્રદર્શન થાય છે. બેન્ચ સ્ટ્રેન્થ બનાવવી મહત્ત્વપૂર્ણ છે, અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. A-ટીમના પ્રવાસોમાં વધારો થયો છે."

માળખાગત સુવિધાઓ અંગે તેમણે જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં ઘણા સુધારા થયા છે, જેમાં કૉન્ટ્રેક્ટ સિસ્ટમ અને સ્થાનિક ક્રિકેટ માટે વધુ સારાં મેદાનોનો સમાવેશ થાય છે.

જૂનમાં ઇંગ્લૅન્ડમાં યોજાનાર વર્લ્ડકપ પછી ટીમ બે મુખ્ય ઇવેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ પર અને 2028ની ઑલિમ્પિક્સ જેવી મોટી ગેમ પર, જ્યાં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. જોકે, મજુમદાર કહે છે કે હાલમાં સંપૂર્ણ ધ્યાન વર્લ્ડકપ પર જ છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

© 2026 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી. બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.