ઈરાન-અમેરિકા શાંતિ કરાર અટવાયો? ઈરાને શરત મૂકી: લેબેનોનમાંથી ઈઝરાયલી સેના હટાવો
Iran-US Peace Deal : અમેરિકા-ઈરાન યુદ્ધ ટાળવા અને શાંતિ જાળવવા માટે તૈયાર થઈ ગયા છે અને બંને દેશો 19મી જૂનના રોજ સ્વિત્ઝરલેન્ડમાં સહી સિક્કા કરવાના છે. જોકે, ઈઝરાયલ દ્વારા લેબેનોન પર હુમલાને કારણે આ શાંતિ કરાર પાણી ફરી જવાની સંભાવના વધી ગઈ છે. ઈઝરાયલે તાજેતરમાં લેબેનોનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે ઈરાને કરારમાં વધુ એક માંગ કરી દીધી છે.
પહેલા લેબેનોનમાંથી ઈઝરાયલી સેના હટાવો : ઈરાન
ઈરાનના ટોચના રાજદ્વારીએ કહ્યું કે, જો અમેરિકાએ યુદ્ધ ખતમ કરવાનો કરાર કરવો હોય તો પહેલા લેબેનોનમાંથી ઈઝરાયલી સેનાને હટાવવી પડશે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈરાની સરકારી ટેલિવિઝન પર મહત્ત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે અન્ય દેશોના રાજદ્વારીઓને કહ્યું છે કે, ઈઝરાયલે દક્ષિણ લેબેનોન પર કરેલો કબજો અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો : નેતન્યાહૂ સાથે ટ્રમ્પનો વારંવાર કેમ થઈ રહ્યો છે વિવાદ?, શું ઈરાન ડીલને કારણે રસ્તા અલગ થશે?
...ત્યાં સુધી યુદ્ધ ખતમ થયું હોવાનું નહીં માનીએ : અબ્બાસ અરાઘચી
અરાઘચીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, લેબેનોનમાં ચાલી રહેલું યુદ્ધ પણ સંપૂર્ણ યુદ્ધ ખતમ કરવાનો મહત્ત્વનો ભાગ છે, તેથી લેબેનોનમાં પણ યુદ્ધ ખતમ કરવું પડશે. ઈઝરાયલી સેનાએ યુદ્ધ કરીને લેબેનોનના કેટલાક વિસ્તારોમાં કબજો જમાવ્યો છે, તેથી જ્યાં સુધી આ વિસ્તારોમાંથી સેના નહીં હટે, ત્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ ખતમ થઈ ગયું હોવાનું માનવામાં નહીં આવે.
નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ
તેમણે એમ પણ કહ્યું કે, જો ઈઝરાયલ લેબેનોન પર વધુ હુમલા કરશે તો તેને સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લેબેનોન સમજૂતીનો ભાગ છે કે નહીં, તે અમેરિકાએ હજુ સુધી કહ્યું નથી. બીજીતરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અમેરિકા-ઈરાનની સમજૂતીથી નારાજ છે. નેતન્યાહૂએ શાંતિ કરારને ટ્રમ્પનો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલ પોતાની પ્રાથમિકતા મુજબ નિર્ણય લેશે અને તેઓ લેબેનોનમાં બફર ઝોનમાં જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી રહેશે.
આ પણ વાંચો : એરપોર્ટ પર ઉભેલા પરિવારોની નજર સામે જ પ્લેન ક્રેશ! 11 સ્કાય ડાઈવર્સ સહિત 12ના મોત