મહારાષ્ટ્ર રાજકારણમાં ભૂકંપ: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, 6 સાંસદોએ શિંદે જૂથમાં જવાનો નિર્ણય કર્યો

👁 2

મહારાષ્ટ્ર રાજકારણ : મમતા બેનરજીની ટીએમસી (TMC) બાદ હવે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) માં પણ મોટું ભંગાણ પાકું થઈ ગયું છે. શિવસેના (UBT) ના કુલ 9 લોકસભા સાંસદોમાંથી 6 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને પોતાને એકનાથ શિંદેની સેનાના સાંસદો માનવાનો આખરી નિર્ણય કરી લીધો છે. આ બળવાખોર સાંસદોએ નવી દિલ્હી ખાતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિત પત્ર સોંપીને સંસદમાં તેમને શિંદેના સાંસદો તરીકે માન્યતા આપવા સત્તાવાર વિનંતી કરી દીધી છે. આ ઘટનાક્રમ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ છે બળવો કરનારા 6 સાંસદોના નામ

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર સોંપનારા ઉદ્ધવ ગુટના 6 બળવાખોર સાંસદોમાં નીચે મુજબના નેતાઓ સામેલ છે:

1. સંજય જાધવ

2. સંજય દેશમુખ

3. નાગેશ પાટીલ અષ્ટિકર

4. ઓમરાજે નિંબાલકર

5. ભાઉસાહેબ વાકચૌરે

6. સંજય દીના પાટીલ

આ મોટા ભંગાણ બાદ હવે ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર 3 જ સાંસદો બચ્યા છે, જ્યારે 6 સાંસદો એકજૂથ થઈને અલગ થઈ ગયા છે.

દિલ્હીમાં સંજય રાઉતની પ્રેસ કોન્ફરન્સ અને આકરા પ્રહાર

બીજી તરફ, પક્ષમાં બળવાની ચાલી રહેલી અટકળો વચ્ચે દિલ્હીમાં શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતના નિવાસસ્થાને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં માત્ર 3 જ સાંસદો - અરવિંદ સાવંત, ચીફ વ્હીપ અનિલ દેસાઈ અને નાસિકના સાંસદ રાજાભાઉ વાજે હાજર રહ્યા હતા, જ્યારે બાકીના 6 સાંસદો ગેરહાજર રહ્યા હતા. આ હાજરી પરથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઉદ્ધવની પાર્ટી પર તોળાઈ રહેલું સંકટ હવે હકીકતમાં બદલાઈ ચૂક્યું છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય રાઉતે આકરા તેવર બતાવતા કહ્યું કે, "આ તમામ સાંસદો શિવસેનાના ચૂંટણી ચિહ્ન 'મશાલ' પર અને ઉદ્ધવ ઠાકરેના નામે જીત્યા છે, તેઓ પીએમ મોદીના નામે ચૂંટણી નથી જીત્યા. ઉદ્ધવ ઠાકરેએ તેમને જીતાડવા માટે દિવસ-રાત એક કર્યા હતા અને પક્ષે તમામ સંસાધનો આપ્યા હતા." રાઉતે બળવાખોરોને ખુલ્લી ચીમકી આપતા ઉમેર્યું કે, જો હવે કોઈ પક્ષ પલટો કરશે તો અમે કોઈને છોડીશું નહીં, જેને જવું હોય તે સાંસદ પદેથી રાજીનામું આપીને જઈ શકે છે. જોકે, રાઉતની આ ચેતવણીઓ છતાં 6 સાંસદોએ સ્પીકરને પત્ર સોંપી દેતા ઉદ્ધવ ઠાકરે માટે આ ચોંકાવનારો આંચકો સાબિત થયો છે.

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.