22 વર્ષીય અભિનેત્રી સંચિતા ઉગલેનો ગળેફાંસો ખાઈ આપઘાત: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ દિવસે જ લીધો જીવ
મુંબઈ: 'કુમકુમ ભાગ્ય' સહિતની ટીવી સિરિયલોથી જાણીતી 22 વર્ષીય અભિનેત્રી સંચિતા ઉગલેએ મુંબઈ પાસેના નાલાસોપારા ખાતે પોતાના ઘરે રવિવારે રાતે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લેતાં સમગ્ર મનોરંજન ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. યોગાનુયોગે, ટીવી સ્ટાર તરીકે કારકિર્દી શરૂ કરી ફિલ્મોમાં સ્થાન જમાવનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ 2020માં 14મી જૂને જ આપઘાત કર્યો હતો. સંચિતાએ આપઘાત માટે આ જ દિવસ પસંદ કરતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
સંચિતા ઉગલે તેના માતા-પિતા સાથે નાલાસોપારા-ઈસ્ટના આચોલે સ્થિત સાઈ સંતોષી એપાર્ટમેન્ટમાં રહેતી હતી. રવિવાર હોવાથી તે ઘરે હતી. સાંજે સાત વાગ્યા પછી તેણે પોતાના બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. લાંબા સમય પછી પણ તેણે દરવાજો ન ખોલ્યો, તેથી પરિવારજનોને શંકા ગઈ. તેમણે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો, ત્યારે સંચિતા બેડરૂમના છતના પંખા સાથે લટકતી જોવા મળી. તેને તાત્કાલિક તુલિંજની મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
આત્મહત્યા કરતા પહેલા સંચિતાએ કોઈ સુસાઈડ નોટ લખી હોવાનું જાણવા મળ્યું નથી. સંચિતાના પિતા મચ્છિન્દ્ર ઉગલેએ તેના મૃત્યુ અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી. આચોલે પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે. સંચિતાએ આત્મહત્યા કેમ કરી તેની તપાસ કરી રહ્યા છીએ, એમ આચોલે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદ વાઘે જણાવ્યું હતું.
સંચિતા ટૂંકા સમયમાં ટીવી સિરિયલોમાં લોકપ્રિય બની ગઈ હતી. 'કુમકુમ ભાગ્ય' સિરિયલમાં દિયા ટંડન નામનું તેનું પાત્ર વિશેષ લોકપ્રિય હતું. એ ઉપરાંત 'વાગલે કી દુનિયા', 'દિલવાલે દુલ્લા લે જાયેંગે' સિરિયલોએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી. ઓટીટીથી મોટા પડદા પરની તેની સફર શરૂ થઈ હતી, તેણે વિકી કૌશલની 'છાવા' અને 'સાઇલેન્સ 2' માં નાની ભૂમિકા પણ ભજવી હતી.
સંચિતા એક્સ બોયફ્રેન્ડના કારણે દુઃખી હોવાનો કો-સ્ટાર ઉજ્જવલનો દાવો
મુંબઈ: 'સાજન ઘર' નામની સિરિયલમાં સંચિતા સાથે કામ કરનારા ઉજ્જવલ શર્માએ દાવો કર્યો હતો કે સંચિતા તેના એક એક્સ બોયફ્રેન્ડના કારણે ભારે દુઃખી હતી. તેણે દાવો કર્યો હતો કે પ્રોડક્શન હાઉસ દ્વારા પણ સંચિતાની હાલત જોતાં તેને ટ્રીટમેન્ટ માટે મદદ કરવામાં આવી હતી. ઉજ્જવલે તેના અને સંચિતા વચ્ચે ક્યારેય કોઈ રિલેશનશિપ રહી હોવાનું નકાર્યું હતું અને કહ્યું હતું કે તે તેના એક એક્સ બોયફ્રેન્ડના કારણે બહુ સંતાપ અનુભવી રહી હતી. તેણે કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ માસથી તેની સંચિતા સાથે કોઈ વાતચીત થઈ ન હતી અને તેઓ ઘણા સમયથી નિયમિત સંપર્કમાં ન હતાં.